Friday, December 5, 2025

Daily Reads

સ્વાસ્થ્ય મંત્રાલયની ‘તેલ અને ખાંડ’વાળી માર્ગદર્શિકા કઈ રીતે સમોસા અને જલેબી મામલેની અફવામાં બદલાઈ ગઈ?

Written By Dipalkumar Shah, Edited By Saurabh Pandey
Jul 17, 2025
banner_image

ભારતીયો ખાનપાનની બાબતમાં ઘણા શોખીન છે. સ્ટ્રીટ ફૂડની મિજબાની અને લિજ્જતનું આપણામાં એક અલગ જ મહત્ત્વ છે. સમોસા, જલેબી અને વડાપાવ સહિતનો નાસ્તો ગુજરાતીઓને પણ ખૂબ પસંદ છે. પરંતુ તાજેતરમાં આ નાસ્તા મામલે ઉઠેલી ચર્ચાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

જોકે, એકાએક સોશિયલ મીડિયા અને મીડિયામાં આ નાસ્તા વિશે કેટલીક વાતો કહેવામાં આવી રહી છે. જેને ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નાસ્તા વિશે ઘરે ઘરે ગંભીર ચર્ચાઓ થવા લાગી છે. કારણ કે, સોશિયલ મીડિયા અને મીડિયામાં અહેવાલો અને પોસ્ટ વાઇરલ થયા છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સમોસા, જલેબી, વડાપાવ અને પકોડા સ્વાસ્થ્ય માટે હાનિકારક જાહેર કરાયા છે. અને હવે તેને ચેતવણીના લેબલ સાથે વેચવામાં આવશે.

સોશિયલ મીડિયામાં એક અખબારી કટિંગ પણ વાઇરલ થયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “સમોસા, જલેબી, વડાપાવ અને પકોડા સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર હાનિકારક છે. એટલે હવે વેચાણ પૂર્વે તેના પર લેબલ લગાવવાનો (ફતવો) આદેશ અપાયો છે.”

સોશિયલ મીડિયાની સાથે સાથે કેટલાક પારંપરિક મીડિયા સંસ્થાઓએ પણ અહેવાલો પ્રકાશિત કરી નાખ્યાં હતાં. ઝી ન્યૂઝ , આજ તક , વન ઈન્ડિયા , જિસ્ટ અને તત્વ ઈન્ડિયા જેવા અનેક પ્લેટફૉર્મ પર આ પ્રકારના સમાન દાવાઓ પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. આ અહેવાલોમાં વ્યાપકપણે કહેવામાં આવ્યું છે કે, આરોગ્ય મંત્રાલય હવે સમોસા, જલેબી, પકોડા જેવી ખાદ્ય ચીજો પર સિગરેટ જેવી ચેતવણીઓ મૂકવાની તૈયારી કરી રહ્યું છે કેમ કે તે હાનિરાકર છે. સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ. જેમાં હેડલાઈનમાં કહેવાયું છે કે, “સમોસા, જલેબી, વડાપાઉં હાનિકારક છે. વેચાણ પૂર્વે ચેતવણીનું સ્ટીકર લગાવવા આરોગ્ય મંત્રાલયનો નવો ફતવો.” ઉપરાંત અહેવાલમાં વિગતમાં જણાવાયું છે કે, “દેશમાં સ્થૂળતાની સમસ્યાના પીડિતોની સંખ્યા 2021માં 18 કરોડ હતી જે 2050 સુધીમાં 44.5 કરોડ પર પહોંચી જશે. તેના પગલે આરોગ્ય મંત્રાલયે તેની સામે અત્યારથી જ પગલાં લેતા સિગરેટની જેમ જ સમોસા, જલેબી, બિસ્કિટ આરોગ્ય માટે કેટલા હાનિકારક છે તેવા બોર્ડ લગાવવા સૂચના આપી છે. મંત્રાલયે દેશની બધી કેન્દ્રીય સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે, તે નાસ્તામાં કેટલું ઑઇલ છે અને સુગર છે તેના બોર્ડ લગાવે. આના પગલે હવે જંક ફૂડને પણ તમાકુ જેવી ગંભીર સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે. આ બોર્ડમાં જે પણ વસ્તુ ત્યાં બનાવવામાં આવી હશે તેની હાનિકારક અસરો વિશે લખ્યું હશે. આ યાદી ફક્ત સમોસા, જલેબી અને બિસ્કિટ પૂરતી જ સિમિત નથી. તેની તપાસના ક્ષેત્રમાં લાડુ, વડાપાવ અને પકોડા પણ હશે. કાર્ડિયોલૉડિકલ સોસાયટી ઑફ ઇન્ડિયાની નાગપુર શાખાના વડા ડૉ. અમર આમલે અનુસાર આ હજુ તો પ્રારંભ છે. આગામી સમયમાં જમવાનું લેબલિંગ સિગરેટના પેકેટ પર લખેલી ચેતવણી જેટલું જ ગંભીર હશે.

જોકે, ન્યૂઝચેકર અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા આવી ગઈ છે અને વાઇરલ દાવાઓ ગેરમાર્ગે દોરનારો જણાયા છે.

Fact Check/Verification

સૌપ્રથમ દાવાની તપાસ કરવા માટે અમે ગૂગલ સર્ચમાં કીવર્ડની મદદથી તપાસ કરી. અમે સમોસા-જલેબી સ્વાસ્થ્ય મંત્રાલય સહિતના કીવર્ડની મદદથી તપાસ કરી. જેમાં અમને ઘણા બદા અહેવાલો પ્રાપ્ત થયા. તેમાં અમને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો.

અમને 16 જુલાઈ-2025ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલમાં જણાવાયું છે કે, “આરોગ્ય મંત્રાલયે મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. એક નિવેદનમાં, મંત્રાલયે કહ્યું કે, આ મીડિયા રિપોર્ટ્સ ભ્રામક, ખોટા અને પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે, મંત્રાલયે અલગથી એક માર્ગદર્શિકા જારી કરી છે, જે કાર્યસ્થળો પર સ્વસ્થ (ખાનપાન) પસંદગીઓ કરવા તરફની એક પહેલ છે. તે વિવિધ કાર્યસ્થળો, જેમ કે લોબી, કેન્ટીન, કાફેટેરિયા અને મીટિંગ રૂમ પર બોર્ડ પ્રદર્શિત કરવા અંગે સલાહ આપે છે, જેથી વિવિધ ખાદ્ય પદાર્થોમાં છુપાયેલી ચરબી અને વધુ પડતી ખાંડના હાનિકારક વપરાશ અંગે જાગૃતિ આવે. આ બોર્ડ સ્થૂળતા સામે લડવા માટે દૈનિક રીમાઇન્ડર તરીકે સેવા આપવા માટે છે. દેશમાં સ્થૂળતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું કે, આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા વિક્રેતાઓ દ્વારા વેચાતા ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ જારી કરવાનું નિર્દેશિત કરતી નથી. અને ભારતીય બનાવાટના નાસ્તા પ્રત્યે ભેદભાવ નથી. તે ભારતના સમૃદ્ધ સ્ટ્રીટ ફૂડ સંસ્કૃતિને ટાર્ગેટ કરતી માર્ગદર્શિક નથી.”

AIR News Gujarati

અફવા કેવી રીતે શરૂ થઈ?

તો હવે સવાલ એ થાય છે કે, આ અફવાની શરૂઆત કેવી રીતે થઈ. ખરેખર આ દાવો 21 જૂન-2025ના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક માર્ગદર્શિકામાં ઉદ્ભવ્યો હતો. તેની વિષયવસ્તુ આ મુજબ હતી: “મંત્રાલયો અને કચેરીઓમાં ‘તેલ અને ખાંડ’ સંબંધિત માહિતીવાળા બોર્ડ લગાવવાની સલાહ, જેથી લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે અને સ્થૂળતા અને અન્ય રોગોથી બચી શકે.”

PIB

આ માર્ગદર્શિકામાં, મંત્રાલયે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા વધતા સ્થૂળતા અને જીવનશૈલીના રોગોને ધ્યાનમાં રાખીને કેટલાક સૂચનો આપ્યા હતા. જેનો ઉદ્દેશ્ય લોકોને વધુ પડતા તેલ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડના નુકસાન અને સ્થૂળતા તથા ડાયાબિટીસ જેવા રોગો વિશે જાગૃત કરવાનો હતો. પરંતુ આ તેમાં ક્યાંય સમોસા, જલેબી કે કોઈ ખાસ ભારતીય પરંપરાગત ખોરાકનો ઉલ્લેખ નહોતો.

આરોગ્ય મંત્રાલયની આ ગાઇડલાઇન ભારત સરકારના મંત્રાલયો અને વિભાગોના સચિવોને સંબોધિત કરીને જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કૃપા કરીને તમારા મંત્રાલય હેઠળના તમામ વિભાગો, કચેરીઓ, સ્વાયત્ત સંસ્થાઓ અને અન્ય જાહેર સંસ્થાઓને નીચેના પગલાં અપનાવવા સૂચના આપો.

ત્રણ મુખ્ય સૂચનો આ મુજબ છે:

1-વધુ પડતા તેલ અને ખાંડના સેવનના ખરાબ પ્રભાવો વિશે જાગૃતિ વધારવા માટે કેન્ટીન, લોબી, મીટિંગ રૂમ અને અન્ય સામાન્ય સ્થળોએ ‘તેલ અને ખાંડ’ સંબંધિત માહિતી ધરાવતા પોસ્ટર અથવા ડિજિટલ બોર્ડ લગાવવા જોઈએ.

2- સરકારી લેટરહેડ, પરબિડીયાઓ, નોટપેડ, ફોલ્ડર્સ અને અન્ય દસ્તાવેજો પર આરોગ્ય સંબંધિત સંદેશાઓ છાપવા જોઈએ જેથી લોકોને દરરોજ સ્થૂળતા ટાળવાના મહત્વ વિશે યાદ અપાવી શકાય.

3- ઓફિસમાં સ્વસ્થ આહાર અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો, જેમ કે વધુ ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળા ખોરાકનો સંગ્રહ કરવો. ખાંડવાળા પીણાં અને વધુ ચરબીવાળા નાસ્તા મર્યાદિત કરવા ઉપરાંત સીડીનો ઉપયોગ વધારવો. ટૂંકા કસરત વિરામ આપવા અને ચાલવાની સુવિધાઓ પૂરી પાડવી.

આરોગ્ય મંત્રાલયની પ્રેસ રિલીઝ શું કહે છે?

મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાઓથી સર્જાયેલી મૂંઝવણને દૂર કરવા માટે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા 15 જુલાઈના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, મંત્રાલયે સમોસા અને જલેબી જેવા નાસ્તા પર ચેતવણીના લેબલ લગાવવા માટે આવી કોઈ સૂચના જારી કરી નથી.

Press Release Health Ministry Screenshot

મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ એક સામાન્ય સલાહ છે જેનો હેતુ લોકોને ખાદ્ય પદાર્થોમાં છુપાયેલા તેલ અને ખાંડ વિશે જાગૃત કરવા અને લોકોને વધુ સારી ખાદ્ય પસંદગીઓ કરવાની યાદ અપાવવાનો છે. તેનો હેતુ કોઈ ચોક્કસ ખાદ્ય પદાર્થને લક્ષ્ય બનાવવાનો નથી, પરંતુ સમગ્ર સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, તે ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળા આહારને પ્રોત્સાહન આપવા, સીડીનો ઉપયોગ કરવા, કસરત કરવા અને ઓફિસમાં ચાલવાના રસ્તા બનાવવા જેવા કેટલાક સૂચનો પણ આપે છે.

મંત્રાલયે એમ પણ કહ્યું કે, આ પહેલ તેના રાષ્ટ્રીય કાર્યક્રમ “NP-NCD” (બિન-સંપર્કજન્ય રોગનાન નિવારણ અને નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ)નો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો સામે લડવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

ન્યૂઝચેકરે આ મામલે પ્રતિક્રિયા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત, AIIMS-નાગપુરના ડિરેક્ટર ડૉ. પ્રશાંત. પી. જોશીનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે, કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, આ અભિયાન AIIMS નાગપુરથી શરૂ કરવામાં આવ્યું હતું. તેમનો પ્રતિભાવ મળ્યા પછી અહેવાલ અપડેટ કરવામાં આવશે.

ન્યૂઝ18 ગુજરાતી દ્વારા પણ અહેવાલો પ્રકાશિત કરાયા હતા કે, સમોસા જલેબી હાનિકારક અને ચેતવણીના લેબલ મામલેના સમાચારો અફવા છે અને સરકારે તેની સ્પષ્ટતા પણ કરેલ છે.  

News18 Gujarati Screenshot

Read Also: લંડન પ્લેન ક્રેશની ઘટનાના નામે દક્ષિણ આફ્રિકામાં થયેલા પ્લેન ક્રેશનો વીડિયો વાઇરલ

આમ, ઉપરોક્ત બાબતો એક વાત સ્પષ્ટ કરે છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયે સત્તાવાર રીતે સમોસા અને જલેબી જેવા ખાદ્યપદાર્થો પર ચેતવણી લેબલ લગાવવાના સમાચારને ભ્રામક અને ખોટા જાહેર કર્યા છે.

Sources
News Report by AIR-Gujarati dated 16 July, 2025
Press Release by Health Ministry, 15 July, 2025
Press Release by PIB, dated 15 July, 2025
News Report by News18 Gujarati, dated 16 July, 2025

(Note: અહેવાલ પહેલા ફેક્ટચેકના સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવેલ હતો. પરંતુ સમીક્ષા બાદ તેને એક્સપ્લેઇનરના સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ પહેલા ન્યૂઝચેકર હિંદીના સલમાન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. હિંદી અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,439

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage