Fact Check
Fact Check – ‘હૈદરાબાદના જંગલમાં જેસીબી સામે લડવાથી હાથીની સૂંઢમાં કાણું’ પડી ગયું?
Claim
હૈદરાબાદમાં જંગલ કપાતમાં પોતાનું ઘર બચાવવા જતા જેસીબી સામે લડતા સૂંઢમાં કાણું પડી ગયેલા હાથીનો વાઇરલ વીડિયો.
Fact
દાવો ખોટો છે. હાથીનો વીડિયો ખરેખર દક્ષિણ આફ્રિકાનો છે. અને તેને જન્મજાત સૂંઢમાં કાણું છે. વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
તેલંગણાના હૈદરાબાદમાં કાંચા ગાચીબોવલીની જમીનનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. હૈદરાબાદ યુનિવર્સિટી પાસે આવેલા આ હરિયાળા જંગલ પર રાજ્ય સરકારના કથિત યુનિવર્સિટી અને આઈટી પાર્ક બનાવવાની યોજનાના વિરોધમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પર્વાયવરણવાદીઓ સામે પડ્યા છે. કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. દરમિયાન, આ મામલા વિશે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો અને મિસઇન્ફર્મેશન પણ વાઇરલ થઈ રહી છે.
જેમાં સોશિયલ મીડિયામાં હૈદરાબાદના જંગલોમાં બુલડોઝર દ્વારા હાથી પર હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં સૂંઢમાં કાણું પડી ગયેલો હાથી દર્શાવાયો છે અને બાદમાં તે મૃત્યુ થતા જમીન પર પડેલો દર્શાવાયો છે.
વાઇરલ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદના જંગલો જે આ હાથીનું ઘર છે તેને રાજ્ય સરકારે કાપવાનો પ્રયાસ કરતા હાથી જેસીબી સામે પોતાનું ઘર બચાવવા લડ્યો અને જેથી તે ઘાયલ થયો અને સૂંઢમાં કાણું પડી જતા તે મૃત્યુ પામ્યો. વીડિયોમાં એવો પણ દાવો કરાયો છે કે, આ કૃત્ય બદલ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર સામે કેસ કરી પગલા લેવા જોઈએ.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવર વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને જાણવા મળ્યું છે કે, આ વીડિયો ખરેખર હૈદરાબાદના કાંચા ગાચીબોવલી જમીન વિવાદની ઘટનાનો નથી.
Fact Check/Verification
વાઇરલ વીડિયોની તપાસ માટે સૌપ્રથમ અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદથી સ્કૅન કર્યાં.
જેમાં અમને વર્ષ એપ્રિલ-2021માં singita નામની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલમાં એક હાથી વિશે જણાવવામાં આવ્યું છે અને તેમાં જે હાથીની તસવીર છે તે હાથી ખરેખર સૂંઢમાં કાણું છે તે જ હાથી છે.

અહેવાલમાં જણાવાયું છે કે, રેન્ઝેકિલે નામની હાથણને જન્મજાત આ ખોડ છે. એટલે કે તેને જન્મજાત સૂંઢમાં કાણું છે. તે દક્ષિણ આફ્રિકાના ગ્રેટર ક્રુગર નેશનલ પાર્કમાં રહે છે.
વળી, અમે હાથણના નામના કીવર્ડની મદદથી ગૂગલ સર્ચ કરતા અમને ઘણા અહેવાલો પ્રાપ્ત થયા.
જેમાં અમને 18 ડિસેમ્બર-2019ના રોજ આફ્રિકા જિયૉગ્રાફિકમાં પ્રકાશિત અહેવાલ પણ મળ્યો. આ અહેવાલમાં પણ જણાવાયું છે કે, સૂંઢમાં કાણું છે તે હાથણનું નામ રેન્ઝેકિલે છે અને તે દક્ષિણ આફ્રિકાના નેશનલ પાર્કથી છે.

આથી એ સ્પષ્ટ છે કે, ખરેખર હૈદરાબાદમાં હાથી જેસીબી સામે ટક્કર લેતા તેની સૂંઢમાં કાણું પડ્યા હોવાની વાત ખોટી છે. કેમ કે વીડિયોમાં જે હાથી દર્શાવાયો છે તે હાથી ભારતમાંથી નથી અને તેને જન્મજાત ખોડ છે. ઉપરાંત, વીડિયોમાં જે હાથી મૃત દર્શાવાયો છે તે વિઝ્યુઅલ પણ ખરેખર ધ્યાનથી જોતા તેમાં આસામ ફોરેસ્ટનો જવાન આસામ ફોરેસ્ટની ટીશર્ટ સાથે જોવા મળે છે. જેથી અમે આ વિશે તપાસ કરતા અમને આસામમાં હાથી ગામમા વીજ કરંટથી મૃત્યુ પામ્યા હોવાનો વીડિયો પ્રાપ્ત થયો.
આ વિશે વધુ તપાસ કરતા અમને, માલા માલા ગૅમ રિઝર્વ દ્વારા પ્રકાશિત યુટ્યુબ વીડિયો પણ જોવા મળ્યો. 20 જાન્યુઆરી-2022ના રોજ અપલોડ કરાયેલ વીડિયોમાં પણ ઉપરોક્ત અહેવાલોમાં આપેલી છે તે જ માહિતી આપવામાં આવી છે. વળી, વીડિયોમાં જે દૃશ્યો છે તે વાઇરલ વીડિયોના દૃશ્યો સાથે સરખાવતા બંને એક જ હોવાનું જાણવા મળે છે.
આસામ ટ્રિબ્યૂન દ્વારા કરાયેલ 8 નવેમ્બર-2024ની ફેસબુક પોસ્ટમાં તે વિઝ્યૂઅલ જોઈ શકાય છે. અહેવાલમાં જણાવાયું છે કે વીજકરંટથી હાથીનું મોત થયું હતું અને ગામવાસીઓ ભેગા થઈ ગયા હતા.

આમ ઉપરોક્ત તમામ બાબતો સૂચવે છે કે, વાઇરલ વીડિયો ખરેખર હૈદરાબાદનો નથી. હૈદરાબાદના કાંચા ગાચીબોવલી જંગલમાં આવી ઘટના બની જ નથી. જે હાથીનો વીડિયો વાઇરલ થયો છે તે હાથીને જન્મજાત ખોડ છે, તે હૈદરાબાદમાં જંગલ કપાતને બચાવવા જતા ઘાયલ નથી થયેલ. ખરેખર તે દક્ષિણ આફ્રિકામાં આવેલ છે.
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, હૈદરાબાદમાં જંગલ કપાતને રોકવા જેસીબી સામે લડતા હાથીને સૂંઢમાં કાણું પડી ગયું હોવાનો દાવો કરતો વાઇરલ વીડિયોનો દાવો ખોટો છે. તે વીડિયોને હૈદરાબાદના જંગલ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
Sources
Report by Singita, dated Apr,2021
News Report by Africa Geography, dated, 18 Dec, 2019
You Tube Video by Mala Mala Game Reserve, 20th Jan, 2022
FB post by Aasam Tribune, dated, 8th Nov, 2024