Fact Check
Fact Check – શું આ વિજય રૂપાણીની ક્રેશ પહેલા ફ્લાઇટમાં લેવાયેલી અંતિમ તસવીર છે?
Claim
વિજય રૂપાણીની પ્લૅન ક્રેશ પહેલાની અંતિમ તસવીર.
Fact
દાવો ખોટો છે. તસવીર ખરેખ વર્ષ 2021માં લેવાઈ હતી.
અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થઈ ગયું જેમાં 242 લોકો સવાર હતા. આમાંથી 141 વ્યક્તિઓનાં મોત થઈ ગયા, જ્યારે એક યાત્રી બચી ગયો હતો. વળી, મૃતકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે. આજે અમદાવાદ ખાતે તેમની અંતિમક્રિયા હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક તસવીર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે વિજય રૂપાણીની પ્લૅન ક્રેશ પહેલા ફ્લાઇટમાં લેવાયેલી અંતિમ તસવીર છે.
વાઇરલ તસવીરમાં વિજય રૂપાણી તેમની સીટમાં બેઠેલા છે. તેમની પાછળની હરોળમાં બાજીની ક્રૉસ લાઇનમાં એક ભાઈ બેઠેલા દેખાય છે. તથા વિજય રૂપાણીની આગળની હરોળમાં બાજુમાં ક્રૉસ સાઇડથી માસ્ક પહેરેલા એક મહિલા સેલ્ફી મૉડમાં ફ્રંટ કૅમેરાથી તસવીર લઈ રહ્યા છે.
આ તસવીર શેર કરતા સોશિયલ મીડિયામાં યુઝર કૅપ્શનમાં લખે છે, “મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ની અંતિમ તસ્વીર.”
તસવીર સાથે એવું પણ લખાણ લખવામાં આવ્યું છે કે, “પ્લૅનમાં સવાર વિજય રૂપાણીની છેલ્લી તસવીર.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ તસવીર વિશેનો દાવો ખોટો છે.
Fact Check/Verification
વિજય રૂપાણીની વાઇરલ તસવીરની પડતાલ કરવા ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદ લીધી અને ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ તપાસવામાં આવી. દરમિયાન, માલૂમ પડ્યું કે, ગુજરાત કૉગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એ વાઇરલ તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, “વિજય રૂપાણી જેમની સાથે વિધાનસભામાં સાથે કામ કર્યું તેમની દુર્ઘટના પહેલાની અંતિમ તસવીર.” (સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ)

જોકે, બાદમાં તેમણે પોસ્ટ એડિટ કરી તસવીર હઠાવી લીધી હતી. પરંતુ એ પહેલા જ મજિદ લાધાણી નામના યુઝરે શક્તિસિંહ ગોહિલની પોસ્ટ પર રિપ્લાયરૂપે નીચે લખ્યું હતું કે, “બાપુ જૂનો ફોટો છે 2021નો.”
આની સાથે સાથે મજિદ લાધાણીએ એક તસવીર કૅપ્શન સાથે સ્ક્રિનશૉટરૂપે પોસ્ટ કરેલ હતી. જેમાં લીના ગોસ્વામી નામના મહિલા યુઝર દ્વારા કરાયેલ ફેસબુક પોસ્ટનો તે સ્ક્રીનશોટ હોય તેવું જણાયું.

તે સ્ક્રીનશૉટવાળી તસવીરમાં લખ્યું છે, “12 જૂન 2021 વિજય રૂપાણી સર પણ અમારી ફ્લાઇટમાં જ હતા. ફ્લાઇટમાં સવાર તમારા અને તમામ માટે પ્રાર્થના.”
આથી અમે મજિદ લાધાણીનો સંપર્ક કર્યો. તેમણે અમને આ તસવીર અને તેમના રિપ્લાય વિશે જણાવતા કહ્યું કે, “લીના ગોસ્વામી તેમની મિત્ર છે અને અમદાવાદમાં રહે છે. આ તસવીર 2021 ઑક્ટોબરની છે, જ્યારે તેઓ લંડન જઈ રહી હતી. તેમણે ત્યારે આ તસવીર લીધી હતી.”

વળી લીના ગોસ્વામીએ કૅપ્શનમાં 12 જૂન-2021 કેમ લખ્યું છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે,”તેમણે ભૂલથી લખ્યું છે, તેઓ ખરેખર ઑક્ટોબરમાં જ લંડન ગયા હતા. તે ફ્લાઇટમાં વિજય રૂપાણી પણ હતા. તેમણે એ સમયે આ તસવીર અમારી સાથે શેર પણ કરી હતી.”
અત્રે નોંધવું કે મજિદ લાધાણી દીવ-દમણના ભાજપના નેતા છે. તદુપરાંત, અમે ફેસબુક પર લીના ગોસ્વામીની પ્રોફાઇલ પણ તપાસવાની કોશિશ કરી પરંતુ તે લૉક હતી. અમે લીના ગોસ્વામીનો સંપર્ક પણ કરવાની કોશિશ કરી. તેમને કૉલ અને મૅસેજ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, જોકે, આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી અમને તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નથી. તેમનો પ્રત્યુત્તર મળ્યા બાદ અહેવાલ અપડેટ કરવામાં આવશે.
મજિદ લાધાણી સાથે ન્યૂઝચેકર હિંદીના રુંજય કુમારે વાતચીત કરી હતી. મજિદ લાધાણીએ ન્યૂઝચેકરને જણાવ્યું હતું કે, તસવીર વાઇરલ થયા ગયા બાદ તેમણે સોશિયલ મીડિયા પરથી તે તસવીર હઠાવી લીધી હતી.
ઉપરાંત, અમે ક્રૅશ થયેલા બોઇંગ ડ્રીમલાઇનર – 787-8 વિમાનની બેઠક વ્યવસ્થાનો સીટ મૅપ પણ તપાસ્યો. સાથે સાથે ક્રૅશ ફ્લાઇટનાં પૅસેન્જર્સના નામ અને તેમના સીટ નંબરની કથિત યાદી પણ ચકાસી. બંને ચકાસતા માલૂમ પડે છે કે, લીના ગોસ્વામી નામની વ્યક્તિ એ ફ્લાઇટમાં સવાર નહોતી. વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં સવાર હતા. અને એ ક્લાસમાં આ નામની કોઈ મહિલા પૅસેન્જર નહોતી. સુરક્ષાના કારણસર અમે મુસાફરોની સીટ નંબર અને નામ સાથેની યાદી અહીં શેર નથી કરેલ.

તસવીર મામલે એક તર્ક એ પણ આપવામાં આવ્યો છે કે, મહિલાએ માસ્ક પહેરેલ છે, તથા વિજય રૂપાણીની પાછળ રહેલ વ્યક્તિએ પણ માસ્ક પહેરેલ છે, આથી તસવીર કોરોના સમયની છે.
આમ,ઉપરોક્ત બાબતો દર્શાવે છે કે, વાઇરલ તસવીર જૂની છે. તે વિજય રૂપાણીની ક્રૅશ થયેલી ફ્લાઇટની આખરી તસવીર નથી જણાતી.
Fact Check – શું આ વાઇરલ વીડિયો ખરેખર ઋષિકેશ રિવર રાફ્ટિંગ અકસ્માતનો છે?
Conclusion
અમારી તપાસમાં જણાવા મળે છે કે, અમદાવાદ પ્લૅન ક્રૅશ પહેલા પ્લૅનમાં સવાર વિજય રૂપાણીની અંતિમ તસવીર હોવાનો દાવો કરતી વાઇરલ તસવીરનો દાવો ખોટો છે. તે તસવીર જૂની જણાઈ આવે છે.
Sources
Replies of Social Media Post by BJP leader Majid Ladhani on X
Telephonic Conversation with BJP Leader Majid Ladhani
News report by BBC, dated, 13th June, 2025
(ન્યૂઝચેકર હિંદીના રુંજય કુમાર દ્વારા પણ અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)