Fact Check
ગુજરાત આપ પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. હાલમાં મોદી સાહેબ ગુજરાતની મુલાકાતે હતા, ત્યારે અનેક લોકાર્પણ અને કાર્યક્રમોનું આયોજન કરી ચૂંટણી લક્ષી પ્રચાર પણ કર્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં થોડા દિવસો પહેલા રોડ-શો કરીને ગયા છે. આમ આદમી પાર્ટી ગુજરાતનું શિક્ષણ, વ્યવસ્થા અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠાવી રહી છે અને આવા જ મુદ્દાઓ સાથે આપ કાર્યકર્તાઓ સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરી રહ્યા છે. જે ક્રમમાં ગુજરાત આપ દ્વારા હવે ગુજરાત માંથી દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.

ફેસબુક પર “આને કોઈ મુદ્દો ના મળ્યો એટલે દારૂબંધી વાળો મુદ્દો ઉઠાવ્યો..શરાબ નુ સેવન કરનાર સમાજ માટે ખુશીના સમાચાર!” ટાઇટલ સાથે ગુજરાત આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને જનરલ સેક્રેટરી ઇશુદાન ગઢવી હાથ એક પોસ્ટ લઈને ઉભેલા જોવા મળે છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ‘દારૂબંધી દૂર કરો આંદોલન’. જયારે યુઝર્સ વાયરલ પોસ્ટ શેર કરતા સાથે દાવો કરી રહ્યા છે કે આપ ગુજરાત દ્વારા હવે દારૂબંધી હટાવવાની માંગ સાથે આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો : નૂપુર શર્માની ટિપ્પણી બાદ કતારની કંપનીએ ભારતીય કર્મચારીઓને પરત મોકલ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
Fact Check / Verification
ગુજરાત આપ દ્વારા હવે ગુજરાત માંથી દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ સર્ચ કરતા 13 જૂનના દિવ્યભાષ્કર દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે “આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરશે. અમે લોકો સુધી પહોંચીને વીજળી મુદ્દે પ્રશ્નો પુછીશું અને તેના માટે ફોર્મ ભરવામાં આવશે. વીજળીનો અધિકાર અપાવવા અમે આંદોલન કરીશું.“

આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાની માહિતી ફેસબુક પર Isudan Gadhviના ઓફિશ્યલ પેજ પર પણ જોઈ શકાય છે. અહીંયા સમાન તસ્વીર કે જેમાં ગોપાલ ઈટાલીયા અને ઇશુદાન ગઢવી હાથમાં પોસ્ટર લઈને ઉભેલા જોવા મળે છે, તેમાં “વીજળી સસ્તી કરો આંદોલન” લખાયેલ જોઈ શકાય છે.
ઉપરાંત, ફેસબુક પર આમ આદમી પાર્ટી ગુજરાતના ઓફિશ્યલ એકાઉન્ટ પર આ આંદોલનની શરૂઆત કરતા પહેલા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સનો વિડીયો પણ જોઈ શકાય છે. જ્યાં આપ દ્વારા ઉઠાવવામાં આવેલ અનેક મુદ્દાઓ માંથી “વીજળી સસ્તી કરો આંદોલન” અંગે ગોપાલ ઈટાલીયા દ્વારા વિસ્તાર સહ માહિતી આપવામાં આવેલ છે.
અહીંયા સોશ્યલ મીડિયા પર દારૂબંધી દૂર કરો ટેગ સાથે વાયરલ થયેલ તસ્વીર અને વાસ્તવિક તસ્વીર વચ્ચે અંતર જોઈ શકાય છે.

Conclusion
ગુજરાત આપ દ્વારા હવે ગુજરાત માંથી દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર પર એડિટિંગ મારફતે ‘વીજળી સસ્તી કરો આંદોલન’ની જગ્યાએ ‘દારુબંધી દૂર કરો આંદોલન’ લખવામાં આવેલ છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા 15 જૂનથી 24 જૂન સુધી વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરવા અંગે જાહેરાત આવેલ છે.
Result : Manipulated Media / Altered Photo
Our Source
Media Report Of DivayBhashkar on 13 June 2022
Facebook Post Of AAM Adami Party, on 13 June 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044