Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
“હિન્દી મુંબઈની ભાષા છે”આ વાક્ય પર MNSની તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ચંપકચાચાએ માગી માફી હોવાનો વાઇરલ વીડિયો.
દાવો અધૂરા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે. વીડિયો ખરેખર પાંચ વર્ષ જૂનો છે.
તાજેતરમાં મુંબઈમાં ભાષા મામલેનો વિવાદ ચાલી રહ્યો છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ જેઓ મરાઠી ભાષા પર ભાર મૂકે છે, તેમનો હિંદી અને ગુજરાતી સહિતની ભાષાઓ બોલતી વ્યક્તિઓ સાથે સંઘર્ષના ઘણા વાઇરલ વીડિયો પ્રકાશમાં આવ્યા છે.
વળી, આ મુદ્દાને લઈને મુંબઈમાં ઘણા મારવાડી-ગુજરાતી અને હિંદી પ્રાંતના વેપારીઓ જેઓ ઘણા સમયથી મુંબઈમાં વેપાર કરે છે, તેમણે આંદોલન કરી ફરિયાદ પણ કરી હતી. બાદમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ મંચ પર આવી મરાઠી વિવાદ મામલે ભાષણ આપતા ફરી મુદ્દો ગરમાયો હતો.
દરમિયાન, રાજ ઠાકરે જેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા છે તેમણે 18 જુલાઈના રોજ મીરા રોડ પર મંચ પરથી ભાષણ આપ્યું હતું અને તેમાં તેમણે ફરીથી મરાઠી મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની સ્કૂલમાં ત્રણ ભાષાના ફૉર્મ્યૂલા મામલે મક્કમતા દર્શાવી તેના એક દિવસ બાદ તેમણે આ ભાષણ આપ્યું હતું. રાજ ઠાકરેએ તેને એક આત્મઘાતી પગલું ગણાવ્યું હતું. વળી, આ ભાષણમાં તેમણે એક વિવાદીત ટિપ્પણી કરતા ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
અહેવાલ અનુસાર રાજ ઠાકરેએ ભાષણમાં કહ્યું કે, “જો સ્કૂલોમાં હિંદી થોપવામાં આવશે, તો અમે ફરી આંદોલન કરીશું. કેન્દ્ર લાંબા સમયથી હિંદી ફરજિયાત કરવા માટે દબાણ કરતું આવ્યું છે. તે મુંબઈને ગુજરાત સાથે જોડવાનો પ્લાન છે. એક વાર સ્થાનિકોની વસ્તી મીરા રોડ-પાલઘરમાં ઘટી જશે પછી તેને પાડોશી ગુજરાત સાથે જોડી દેવામાં આવશે.” (ગુજરાતી અનુવાદ)
લેખક અને પત્રકાર આચાર્ય આત્રે દ્વારા લિખિત પુસ્તકનો સંદર્ભ લઈને તેમણે કહ્યું કે, “સ્વતંત્ર સેનાની અને ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પહેલી વ્યક્તિઓમાંથી એક હતા જેમણે કહ્યું હતું કે, મુંબઈ મહારાષ્ટ્રને ન આપવું જોઈએ. અમે સરદાર પટેલનું ઘણું સન્માન કરીએ છીએ પરંતુ તેમણે આવું કહ્યું હતું.”
વળી, રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ કઈ રીતે 1955-56માં સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરાવ્યો હતો.
આને પગલે ગુજરાતમાં રાજકીય પક્ષોના આગેવાનો તરફથી પ્રતિક્રિયા આવી છે. જેમાં રાજ ઠાકરે વિરુદ્ધ રાજકીય આગેવાનોએ કહ્યું કે, રાજ ઠાકરેની માનસિકતા હંમેશાં ગુજરાતીઓ વિરુદ્ધની રહી છે. પ્રતિક્રિયારૂપે તેમણે માગણી કરી છે કે, રાજ ઠાકરે માફી માગે.
સોશિયલ મીડિયામાં પણ આ મામલે ચર્ચા જાગી છે. ગુજરાતમાં સોશિયલ મીડિયામાં વિવિધ રાજકીય આગેવાનોની પ્રતિક્રિયાઓની પોસ્ટના કૉમેન્ટ સેક્શનમાં ઘણા યુઝર્સ રાજ ઠાકરે સામે ફરિયાદની અને માફીની માગણીની વાત કહી રહ્યા છે, તો ઘણાનું કહેવું છે કે સરદાર પટેલનું અપમાન કર્યું હોવાથી કાયદેસર ફરિયાદ થવી જોઈએ અને ગુજરાતની સરકારે પણ આ મામલે નિવેદન આપવું જોઈએ. રાજ ઠાકરેના નિવેદનની એક રીતે સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે.
દરમિયાન, આ સમગ્ર વિવાદ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા સિરિયલમાં ચંપકકાકાનું પાત્ર ભજવતા ગુજરાતી કલાકાર અમિત ભટ્ટે મરાઠી ભાષાનું અપમાન કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ સમક્ષ જાહેરમાં માફી માગી છે.
વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે, ” હિન્દી મુંબઈની ભાષા છે”આ વાક્ય પર MNSની તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ચંપકચાચાએ માગી માફી.”
વીડિયોમાં અમિત ભટ્ટ કેટલીક વ્યક્તિઓ જેઓ પોતાને MNSના કાર્યકર્તા ગણાવે છે, તેમની માફી માગી રહ્યા છે અને લેખિતમાં માફીપત્ર પણ આપી રહ્યા છે. અને આશ્વાસન આપી રહ્યા છે કે, હવે ક્યારેક આવી ભૂલ નહીં થશે. તેમાં એક ભૂરા રંગની ટીશર્ટ પહેરેલી વ્યક્તિ બાદમાં નિવેદન આપી રહી છે કે, “તારક મહેતા ઊલ્ટા ચશ્મા સિરિયલમાં ચંપકકાકાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે મુંબઈની ભાષા હિંદી છે એવું બોલતા તેમણે મરાઠી ભાષા અને મરાઠી લોકોનું અપમાન કર્યું હતું. આથી અમે તેમના ઘરે આવ્યા હતા. તેમણે ભૂલ સ્વિકારીને માફી પણ માંગી લીધી છે. મનસેના કાર્યકર્તા અને મરાઠી લોકો ક્યારેય પણ મરાઠી ભાષાનું અપમાન સહન નહીં કરશે. તેમણે માફી માગી આશ્વાસન આપ્યું છે કે હવે ક્યારેક આવી ભૂલ નહીં થાય.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર આ તાજેતરની ઘટના નથી. વીડિયો ખરેખર ઘણા વર્ષ જૂનો છે.
વાઇરલ વીડિયોની તપાસ માટે સૌપ્રથમ અમે વીડિયોના દૃશ્યોના કીફ્રેમ્સને તપાસ્યા. તેને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી ચકાસ્યા. આ ચકાસણી કરતા અમને 4 માર્ચ-2020ના રોજ ઇન્ડિયા ટીવી દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો.
અહેવાલનું શીર્ષક છે – તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના ચંપકચાચાએ રાજ ઠાકરેના મનસેસ સમક્ષ માફી માગી.

અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, “ચંપકચાચાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે મુંબઈમાં હિંદી પ્રયોગ કરવી જોઈએ એવું એક દૃશ્યમાં બોલતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ તેમની ટીકા થઈ હતી અને સિરિયલના નિર્માતા પાસેથી માફીની માગ ઊઠી હતી. આથી અમિત ભટ્ટે લેખિતમાં પણ માફી માગી લીધી.”
અહેવાલમાં માફીપત્ર સહિતની વિગતો મનસેના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સિરિયલના નિર્માતા અસિતકુમાર મોદી દ્વારા પણ ટ્વિટ કરીને મરાઠી ભાષા મામલે ગૌરવપૂર્ણ વાત કહી માફી માગવામાં આવી હતી.
વળી, 3 માર્ચ-2020ના રોજ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલમાં પણ આ સમાચારની નોંધ લેવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, “તારક મહેતા કા ચશ્મા સિરિયલના ચંપકચાચા ઉર્ફે અમિત ભટ્ટે સિરિયલમાં હિંદી મુંબઈની ભાષા હોવાનો સંવાદ કહ્યો હતો તેના બદલ માફી માગી છે. તેમણે કહ્યું કે સ્ક્રિપ્ટના લેખક તેમને જે સંવાદ આપતા હોય છે, તેમણે તે બોલવાના હોય છે. પરંતુ ભવિષ્યમાં તેઓ ધ્યાન રાખશે. આવી ભૂલ નહીં થાય.”
ઉપરાંત, બિઝનેસ સ્ટાન્ડર્ડ, એએનઆઈ ન્યૂઝ એજન્સી સહિતના ન્યૂઝ આઉટલેટ્સ દ્વારા આ સમાચારની નોંધ લેવાઈ હતી.
Read Also: શું આ વીડિયો ગંભીરા બ્રિજ તૂટ્યો એ સમયના દૃશ્યોનાં છે? ના, તે ખરેખર AI જનરેટેડ છે
આમ અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલના ચંપકચાચાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે મરાઠી ભાષાના અપમાન મુદ્દે માફી માગી હોવાની ઘટના તાજેતરની નથી. આથી તે ઘટના તાજેતરની હોવાના સંદર્ભ અને દાવા સાથે શેર કરવામાં આવેલ વીડિયો ખોટા સંદર્ભ સાથે વાઇરલ થયેલ છે. ઘટના ખરેખર વર્ષ 2020માં બનેલ હતી.
Sources
News Report by India TV, Dated, 4th March, 2020
News Report by Times of India, Dated, 3rd March, 2020
News Report by Business Standard, Dated, 3rd March, 2020
News Report by ANI, Dated, 3rd March, 2020