Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
Fact : રાજ્યમાં મૂર્તિ બનાવવામાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.” આ દાવાના સંદર્ભમાં ફેસબુક પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલીક મહિલાઓ અને બાળકો પોલીસની સામે રડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ત્યાં ભગવાન ગણેશની મૂર્તિઓ પણ જોવા મળે છે. તેમજ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓની હાજરીમાં પ્રતિમાની જગ્યાને સીલ કરવામાં આવી રહી છે.

વીડિયો દ્વારા સોશિયલ મીડિયા યુઝર્સ તમિલનાડુની સત્તારૂઢ ડીએમકે સરકાર પર નિશાન સાધી રહ્યા છે. વાયરલ થયેલા દાવામાં લખવામાં આવ્યું છે કે તમિલનાડુના મુખ્યમંત્રીએ હિંદુ સંસ્કૃતિને નષ્ટ કરવા માટે મૂર્તિ બનાવનારા લોકોના ગોદામને સીલ કરી દીધું. ન્યૂઝચેકર દ્વારા આ દાવો ભ્રામક હોવાનું જણાયું છે.

તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાના દાવા અંગે સર્ચ કરતા પોલિમર ન્યૂઝના યુટ્યુબ એકાઉન્ટ પર અમને આ વીડિયો મળ્યો, જે 17 સપ્ટેમ્બરે ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વિડિયો સાથેના શીર્ષક અને વર્ણન અનુસાર, “ઉત્તર ભારતના કામદારો વેરહાઉસમાં રાખવામાં આવેલી 10 લાખ રૂપિયાથી વધુની કિંમતની ગણેશ મૂર્તિઓને સીલ કરવામાં આવી. મૂર્તિ બનાવવામાં કેમિકલનો ઉપયોગ થતો હોવાથી આ વેરહાઉસ સીલ કરવામાં આવ્યા હતા. જોકે, ચેન્નાઈ હાઈકોર્ટની મદુરાઈ શાખાના આદેશને પગલે સીલ હટાવી દેવામાં આવશે.
અમે વધુ માહિતી માટે ન્યૂઝચેકરની તમિલ ટીમનો પણ સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે રાજસ્થાની કલાકારો તમિલનાડુના કરુર જિલ્લાના સુંગાગેટ વિસ્તારમાં વર્ષોથી શિલ્પ અને રમકડા બનાવી રહ્યા છે. તાજેતરમાં સ્થાનિક વહીવટીતંત્રને મૂર્તિઓમાં કેમિકલ ભેળવીને બનાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. કોર્ટના આદેશને કારણે રાજ્યમાં મૂર્તિ બનાવવામાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી આ મૂર્તિઓના વેરહાઉસ પર દરોડા પાડીને બંધ કરાવવામાં આવ્યા હતા.
દરમિયાન, અમને આ ઘટનાને લગતા કેટલાક અહેવાલો પણ મળ્યા હતા. આ સમાચારોમાં ક્યાંય ધાર્મિક ભેદભાવ કે ગણેશ ઉત્સવ પર સરકારના પ્રતિબંધ અંગે માહિતી જોવા મળતી નથી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાડવામાં આવેલા દરોડા પછી કેટલાક હિન્દુ સંગઠનોએ વિરોધ પણ કર્યો હતો. પરંતુ જ્યારે જિલ્લા વહીવટીતંત્ર, પ્રદૂષણ નિયંત્રણ નિગમ અને પોલીસ વહીવટીતંત્રે ભૂલ તરફ ધ્યાન દોર્યું, ત્યારે તેઓએ વિરોધ પાછો ખેંચ્યો હતો. ઘટના અંગેના અહેવાલો અહીં, અહીં અને અહીં વાંચી શકો છો.
તપાસ દરમિયાન અમે કરુરના જિલ્લા મહેસૂલ અધિકારીનો સંપર્ક કર્યો. વાયરલ દાવાને નકારી કાઢતા, તેમણે કહ્યું, “અમે રસાયણોના ઉપયોગ અને પ્રદૂષણના ધોરણોના ઉલ્લંઘન સામે પગલાં લીધાં અને ગણેશ મૂર્તિઓના આ વેરહાઉસને સીલ કર્યા હતા”

જિલ્લા અધિકારી દ્વારા ટ્વીટર પર કેટલાક દસ્તાવેજો શેર કરતા જણાવ્યું કે, “આ સમાચાર હકીકતમાં અધૂરા અને વિકૃત છે. સત્ય નીચે મુજબ છે – વિવિધ માનનીય ઉચ્ચ અદાલતો, NGT અને CPCB દ્વારા વારંવાર નિર્દેશ આપવામાં આવ્યો છે કે વિનાયક ચતુર્થી માટે બનાવવામાં આવેલી મૂર્તિઓ સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ વસ્તુઓની બનેલી હોવી જોઈએ. પીઓપી જેવી સામગ્રી સખત પ્રતિબંધિત છે.”
તપાસ દરમિયાન, અમને એ પણ જાણવા મળ્યું કે આવી કાર્યવાહી વર્ષ 2018માં પણ કરવામાં આવી હતી, જ્યારે AIADMK રાજ્યમાં સત્તામાં હતી. આ સંબંધિત માહિતી 7 સપ્ટેમ્બર 2018ના રોજ ન્યૂઝ 18 તમિલની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી.
તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. રાજ્યમાં મૂર્તિ બનાવવામાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી આ મૂર્તિઓના વેરહાઉસ પર દરોડા પાડીને બંધ કરાવવામાં આવ્યા હતા. જે સમાચારને અલગ-અલગ ભ્રામક દાવાઓ સાથે સોશ્યલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે.
Our Source
Video published by Polymer news on September 17, 2023
News published by Dinamani on September 14, 2023
News published by Dinmalar on September 18, 2023
News published by Vikatan on September 15, 2023
News published by News18 Tamil on September 8, 2018
Tweets made by collector karur
Conversation with DRO Karur
(હિંદુ સંસ્કૃતિને નષ્ટ કરવા માટે મૂર્તિ બનાવનારા લોકોના ગોદામને સીલ કરી દીધું હોવાના દાવા સાથે વાયરલ થયેલા દાવા પર ન્યૂઝચેકર મરાઠી ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044