Fact Sheets
ભારતની પ્રથમ પોતાની જાત સાથે લગ્ન કરતી યુવતી, જાણો શું છે સોલોગામી લગ્ન
વડોદરામાં એક મહિલા પોતાની જાત સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે, 24 વર્ષની ક્ષમા બિંદુ નામની આ યુવતી 11 જુનના પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે. દેશનો આ પ્રથમ સોલોગામી (પોતાની જાત સાથે લગ્ન)નો કિસ્સો માનવામાં આવી રહ્યો છે. ક્ષમા બિંદુએ કહ્યું કે તેણી આ સ્ટીરિયોટાઇપ્સને તોડવા અને અન્ય લોકોને પ્રેરણા આપવા માંગે છે જેઓ સાચો પ્રેમ શોધીને થાકી ગયા છે. બિન્દુ પોતાને બાયસેક્સ્યુઅલ તરીકે ઓળખાવે છે, તેણીવ એ પણ દાવો કર્યો હતો કે સેલ્ફ મેરેજની ભારતમાં આ પ્રથમ ઘટના હશે.

વડોદરાની 24 વર્ષીય ક્ષમા બિંદુએ 11 જૂને લગ્ન કરવાના નિર્ણય પર ભાજપના શહેર એકમના ઉપપ્રમુખ સુનીતા શુક્લાએ આકરી પ્રતિક્રિયા આપી છે. સુનીતા શુક્લાએ કહ્યું કે, જો તે મંદિરમાં લગ્ન કરી રહી છે તો અમે આ થવા નહીં દઈએ. આ લગ્ન હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. અહીંયા નોંધનીય છે કે ભારતમાં આ પ્રકારે સોલોગામી લગ્ન માટે કોઈપણ કાયદાકીય જોગવાઈ નથી. આવા લગ્નમાં સરકાર દ્વારા મેરેજ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવતા નથી.
શું છે સોલોગામી
સોલોગામી એટલે પોતાની જાત સાથે લગ્ન કરવા આ પ્રક્રિયામાં વ્યક્તિ જાહેર સમારંભમાં પોતાની જાત સાથે અન્ય કોઈ વ્યક્તિના સાથ વિના લગ્ન કરે છે. જ્યારે આવા લગ્નને હાલ કોઈ કાનૂની મંજૂરી અથવા દરજ્જો આપવામાં આવ્યો નથી, ત્યારે ઘણા લોકો તેમના સ્વ-પ્રેમ અને સ્વતંત્રતા પર ભાર મૂકવા માટે પ્રતીકાત્મક રીતે સોલોગામીનો ઉપયોગ કરે છે.
યુ.એસ.ના ડેન્ટલ હાઇજીનિસ્ટ લિન્ડા બેકરે 1993 માં પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. દુનિયાભરમાં કરવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એક સોલોગામી છૂટાછેડાનો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં બ્રાઝિલિયન મોડલ, ક્રિસ ગેલેરાએ જાહેરાત કરી હતી કે તેણી માત્ર 90 દિવસ પછી તેણીના સોલો-મેરેજને સમાપ્ત કરી રહી છે કારણ કે તેણી કોઈ અન્ય સાથે પ્રેમમાં હતી.
સોલોગામીની દુનિયાભરમાં અસર
સોલોગામીના વધતા સંબંધો અને વલણને કારણે યુ.કે., ઑસ્ટ્રેલિયા, જાપાન, તાઇવાન અને યુ.એસ.માં વધુને વધુ સ્ત્રીઓ પોતાની જાત સાથે લગ્ન કરતા જોવા મળે છે. globalnewsના અહેવાલ અનુસાર, 2003માં સેક્સ ઇન ધ સિટી નામના ટેલિવિઝન શોમાં સોલોગામી વિચારનો પ્રથમ પરિચય થયો હતો, જ્યારે શોના મુખ્ય પાત્રે પોતાની જાત સાથે લગ્ન કરવા વિશે વિચાર્યું હતું.
સોલોગામીનું વલણ તાજેતરના વર્ષોમાં એટલું લોકપ્રિય બન્યું છે કે પોલિસી હોરાઇઝન્સ નામની એક કેનેડિયન સરકારી એજન્સી છે. આ એજન્સી ક્રોસ-કટીંગ મુદ્દાઓ પર જાહેર નીતિઓ પ્રોજેક્ટ કરે છે તેમણે પણ આવા કેસોની નોંધ લીધી છે.
મહિલાઓ સોલોગામી શા માટે વધારે પસંદ કરી રહી છે?
સોલોગામીના દુનિયાભરમાં બૅલ અનેક કિસ્સાઓ અંગે મીડિયા રિપોર્ટ જોઈ શકાય છે, જ્યાં તેઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ખાસ કરીને મહિલાઓ શા માટે સોલોગામી પ્રક્રિયામાં જોડાઈ રહી છે.
- ઘણી સ્ત્રીઓ સોલોગામી અપનાવે છે કારણ કે તેઓ માને છે કે તેઓ પોતાની જાત સાથે જેટલી ખુશી અનુભવે છે તેટલી તેઓ જીવનસાથી સાથે ક્યારેય કરી શકશે નહીં.
- કોઈ વ્યક્તિ માટે સોલોગામીનો અર્થ એ છે કે તેઓ જીવનને પોતાની જાત સાથે જોડાયેલા અનુભવે છે, વ્યક્તિ સાથે નહીં.
- ઘણી છોકરીઓ એવી પણ છે કે જેઓ છોકરા સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી, તેઓ સોલોગોમી પણ અપનાવી રહી છે.
સોલોગામી લગ્ન એટલેકે પોતાની જાત સાથે લગ્ન કરવા દેશ અને દુનિયાભરમાં આ પ્રકારના વલણમાં વધારો જોવા મળી રહ્યા છે. 1993થી દુનિયામાં આ પ્રકારના લગ્નની શરૂઆત થઈ હોવાનું માની શકાય છે. જયારે ભારતમાં ક્ષમા બિંદુ પ્રથમ યુવતી હશે જે સોલોગામી લગ્ન કરવા જઈ રહી છે. વિશ્વમાં ક્યાંય પણ પોતાની જાત સાથે લગ્ન કરવા કાયદેસર નથી, તેમ છતાં લોકો સોલોગામી લગ્ન કરી રહ્યા હોવાના અહેવાલો ઘણા દાયકાઓ થી જોવા મળે છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044