Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
વક્ફ બિલ પસાર થયા પછી અસદુદ્દીન ઓવૈસી હસતા અને સાંસદો સાથે બેઠેલા હોવાનો વીડિયો.
દાવો ખોટો છે. આ વીડિયો વક્ફ સુધારા બિલ પસાર થયા પહેલાનો છે. તેઓ વકફ બિલ પાસ થયા પછી ઉજવણી નથી કરી રહ્યાં.
ભાજપના નેતૃત્ત્વવાળી મોદી સરકારે લાવેલું વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાં તીવ્ર ચર્ચા બાદ સંસદમાં બિલ પાસ થયું હતું જેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું. તેના પર હસ્તાક્ષર કરી દીધા છે.
દેશભરમાં વકફ બિલને લઈને ખૂબ ચર્ચા જાગી છે. કૉંગ્રેસ સહિતના કેટલાક પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો, જ્યારે કેટલાક પક્ષોએ સમર્થન પણ કર્યું. અને આથી બિલે આખરે કાયદાનું સ્વરૂપ લઈ લીધું છે.
દરમિયાન, તાજેતરમાં સોશિયલ મીડિયા પર AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વક્ફ સંશોધન બિલ પાસ થયા બાદ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી સંસદમાં જેમનો વિરોધ કરતા હોય છે તેમની સાથે બેસીને હસી હસીને લિજ્જત માણી રહ્યાં છે, તેનો આ વીડિયો છે.
વકફ સુધારા બિલના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર 30 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે . વીડિયોમાં, ઘણા સાંસદો એક ગોળ ટેબલની આસપાસ બેઠેલા જોવા મળે છે, જેમાં જગદંબિકા પાલ, નિશિકાંત દુબે અને અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે. આ વીડિયોમાં, બધા સાંસદો કોઈ વાત પર હસતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વક્ફ સુધારા બિલ પસાર થયા બાદ અસદુદ્દીન ઓવૈસી ઉજવણી કરી રહ્યા છે.
પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે, ” બરાબર ઓળખી લો આ લોકોને. આ એ જ “માનનીય” સાંસદો છે જે વકફ સુધારા ખરડા ઉપર એક-બીજા ઉપર આકરા પ્રહારો કરતા હતા, અને પછી કેન્ટીનમાં કેટલા ખુશખુશાલ છે! સંસદમાં ખરડો ફાડી નાખનાર ઓવૈસીને જોવાનું ન ભૂલતા!”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખરેખર ખોટો છે.
વક્ફ સુધારા બિલ પસાર થયા પછી અસદુદ્દીન ઓવૈસી ઉજવણી કરી રહ્યા હોવાનો દાવો કરતી વાયરલ વિડિઓની હકીકત તપાસવા માટે અમે ગૂગલ લેન્સનો ઉપયોગ કરીને એક મુખ્ય ફ્રેમ શોધી. જેને રિવર્ઝ ઇમેજની મદદથી સ્કૅન કરતા અમને પ્રભાત ખબર દ્વારા 29 જાન્યુઆરી-2025ના રોજ પ્રકાશિત થયેલ એક અહેવાલ મળ્યો. વાયરલ વિડિઓ જેવું જ એક દૃશ્ય આ અહેવાલમાં હાજર છે.

પ્રભાત ખબરના અહેવાલ મુજબ, આ બેઠકની તસવીર જાન્યુઆરી 2025ની છે. જ્યારે વકફ સુધારા બિલના મુદ્દા પર રચાયેલી સંસદની સંયુક્ત સમિતિએ વકફ સુધારા બિલનો અહેવાલ અને પ્રસ્તાવિત કાયદાના સુધારેલા સંસ્કરણને 15-11 મતોથી પસાર કર્યો હતો તે વેળાની છે. શોધખોળ કરતાં અમને 29 જાન્યુઆરી, 2025ના રોજ અમર ઉજાલાનો રિપોર્ટ પ્રાપ્ત થયો.
વિડિઓ વિશે વધુ માહિતી માટે, ‘JPC Adopts Draft Report On Waqf Bill’ કીવર્ડ ઇન્ટરનેટ પર સર્ચ કર્યું.
જેમાં અમને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 29 જાન્યુઆરી-2025ના રોજ અપલોડ કરાયેલ એક વિડિઓ મળ્યો.
આ 5 મિનિટ 6 સેકન્ડના વીડિયોમાં, વાયરલ વીડિયો ક્લિપ 15 થી 30 સેકન્ડની વચ્ચે જોઈ શકાય છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા આ વિડીયોનું વર્ણન અંગ્રેજીમાં લખાયેલું છે, જેનો ગુજરાતીમાં અનુવાદ આ રીતે કરવામાં આવ્યો છે, “વક્ફ સુધારા બિલ પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિએ વિપક્ષી સભ્યોના ભારે વાંધાઓ છતાં ડ્રાફ્ટ રિપોર્ટ સ્વીકાર્યો. 655 પાનાનો રિપોર્ટ મોડી રાત્રે સાંસદોને સુપરત કરવામાં આવ્યો હતો અને તેના પર અસંમતિ નોંધ રજૂ કરવાની અંતિમ તારીખ બીજા દિવસે સાંજે 4 વાગ્યે નક્કી કરવામાં આવી હતી.”
આમ, અમારી તપાસથી સ્પષ્ટ થાય છે કે, અસદુદ્દીન ઓવૈસી સાંસદો સાથે બેસીને હસતા હોય તેવો આ વીડિયો વકફ સુધારા બિલ પસાર થયા પછીનો નથી. તે બિલ પાસ થયા પહેલાનો છે. તે જેપીસીની બેઠક મામલે સંબંધિત છે. આથી બિલ પાસ થયા પછી ઓવૈસી ઉજવણી કરી રહ્યા હોવાનો દાવો ખોટો છે.
Sources
Media Report by Prabhat Khabar
Media Report by Amar Ujala
YouTube Video by The Indian Express
(અહેવાલ ન્યૂઝચેકર હિંદીના રૌશન ઠાકુર દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)