Fact Check
Fact Check – શું ‘ક્રિકેટર યુસુફ પઠાણ હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ બેઠકથી TMCના સાંસદ’ છે? શું છે વાઇરલ દાવાનું સત્ય
Claim
જ્યાં મુર્શિદાબાદમાં હિંદુઓ સામે હિંસા થઈ રહી છે ત્યાંથી બેઠક પરથી મૌલાના યુસુફ પઠાણ TMCના સાંસદ છે. એના હાથમાં જે છે એને 'ચા' ના સમજતા. એ પશ્ચિમ બંગાળના હિંદુઓના ઘા પર લાગી રહેલું મીઠું છે.
Fact
દાવો ખોટા સંદર્ભ સાથે શર કરવામાં આવેલ છે. ક્રિકેટર યુસુફ પઠાણ ખરેખર પશ્ચિમ બંગાળની બહરામપોર લોકસભા બેઠકથી તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ છે. તેઓ મુર્શિદાબાદ લોકસભા કે વિધાનસભા બેઠકના સાંસદ નથી. જ્યાં હિંસા નોંધાઈ છે તે, જંગીપુર વિસ્તાર અલગ લોકસભા-વિધાનસભા મતક્ષેત્રમાં સ્થિત છે.
પશ્ચિમ બંગાળ રાજ્યના મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં કેન્દ્ર સરકારે પાસ કરેલા વકફ બિલને મામલે પ્રદર્શન બાદ હિંસા ફાટી નીકળી હતી. પોલીસ અનુસાર અત્યાર સુધી 3 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. વધુમાં પોલીસનું કહેવું છે કે હવે સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે અને હિંસા કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વળી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે, કાયદો કેન્દ્ર સરકારે બનાવ્યો છે અને તેઓ તેના વિરોધમાં છે આથી વકફ સુધારા કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ થશે નહીં. તેમણે તમામને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં પશ્ચિમ બંગાળના સાંસદ એવા ક્રિકેટર યુસુફ પઠાણ એક દાવો વાઇરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર યુસુફ પઠાણની એક તસવીર વાઇરલ થઈ છે અને તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુસુફ પઠાણ મુર્શિદાબાદના સાંસદ છે, જ્યાં હિંદુઓ સામે હિંસા થઈ રહી છે અને યુસુફ પઠાણ આ મામલે મૌન છે.
સોશિયલ મીડિયા યુઝરે કૅપ્શનમાં લખ્યું છે, “જ્યાં મુર્શિદાબાદમાં હિંદુઓ સામે હિંસા થઈ રહી છે ત્યાંથી બેઠક પરથી મૌલાના યુસુફ પઠાણ TMCના સાંસદ છે. એના હાથમાં જે છે એને ‘ચા’ ના સમજતા. એ પશ્ચિમ બંગાળના હિંદુઓના ઘા પર લાગી રહેલું મીઠું છે.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખરેખર ખોટા અધૂરા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સોપ્રથમ અમે ગૂગલ કીવર્ડ ‘યુસુફ પઠાણ મુર્શિદાબાદ હિંસા’ને ગૂગલ સર્ચની મદદથી સર્ચ કર્યું. જેમાં અમને 13 એપ્રિલ-2025ના રોજ હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો.

અહેવાલમાં જણાવાયું છે કે, “તાજેતરમાં ક્રિકેટર યુસુફ પઠાણે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ચાની ચૂસ્કી લેતા લેતા તસવીર પોસ્ટ કરી હતી. બીજી તરફ મુર્શિદાબાદમાં હિંસાની ઘટના બની છે. આથી તેમને ટ્રૉલ કરવામાં આવી રહ્યા છે કે, તેઓ બંગાળમાંથી સાંસદ છે.”
અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, “પશ્ચિમ બંગાળની બહરામપોર લોકસભા બેઠકથી તેઓ સાંસદ છે. જેથી ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે, એક તરફ બંગાળ ભળકે બળી રહ્યું છે અને મમતા બેનર્જી ચૂપ છે. વળી ટીએમસી સાંસદ યુસુફ પઠાણ ચાની ચૂસ્કીની મજા લઈ રહ્યા છે.”
અત્રે નોંધવું કે, અહેવાલ સૂચવે છે કે, યુસુફ પશ્ચિમ બંગાળના બહરામપોર લોકસભા બેઠક પરથી ટીએમસીના સાંસદ છે.
વળી, બંગાળમાં હાલ જ્યાં હિંસાઓ ફાટી નીકળી હતી તે વિસ્તાર વિશે અમે જાણવાની કોશિશ કરી. જેમાં અમને 14 એપ્રિલ-2025ના રોજ હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો.

અહેવાલમાં જણાવાયું છે કે, “મુર્શિદાબાદ જિલ્લાના જંગીપુર, ધુલિયન, સુતીમાં ગત શુક્રવાર અને શનિવારે હિંસા ફાટી નીકળી હતી.”
જેનો અર્થ એ છે કે, હિંસા ખરેખર બહરામપોર લોકસભાક્ષેત્રમાં એટલે કે યુસુફ પઠાણના સંસદીયક્ષેત્રમાં નથી નોંધાઈ.
વધુમાં મુર્શિદાબાદ જિલ્લા અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની લોકસભા બેઠક વિશે વધુ માહિતી માટે અમે તપાસ કરી.
પશ્ચિમ બંગાળ સરકારની સત્તાવાર વેબસાઇટ અનુસાર મુર્શિદાબાદ એ પશ્ચિમ બંગાળનો એક જિલ્લો છે. વેબસાઇટ અનુસાર તેમાં કુલ 3 લોકસભા બેઠકો આવેલી છે. તેમાં ત્રણ બેઠકો – મુર્શિદાબાદ, બહરામપોર, જંગીપુર છે. વળી, મુર્શિદાબાદ લોકસભા બેઠકથી ટીએમસીના અબુ તાહેર ખાન સાંસદ છે અને જંગીપુરની લોકસભા બેઠકથી ટીએમસીના ખલીઉર રહમાન તથા બહરામપોર લોકસભા બેઠકથી ક્રિકેટર યુસુફ પઠાણ સાંસદ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના આ અહેવાલમાં ત્રણેય બેઠકોનો નકશો જોઈ શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના ડિલિમિટેશન અનુસાર ભારતમાં દર એક લોકસભા બેઠકમાં 7 વિધાનસભાક્ષેત્ર (બેઠકો) સામેલ હોય છે.
અમે, બહરામપોર લોકસભા બેઠક, મુર્શિદાબાદ લોકસભા બેઠક અને જંગીપુર લોકસભા બેઠકોમાં આવેલી વિધાનસભા બેઠકો/ક્ષેત્રોની યાદી પણ તપાસી. ત્રણેય બેઠકની યાદી અહીં, અહીં અને અહીં જુઓ.
આમ જે વિસ્તારોમાં હિંસા નોંધાઈ છે, તે વિસ્તારો મુર્શિદાબાદ જિલ્લામાં છે પરંતુ યુસુફ પઠાણ મુર્શિદાબાદના સાંસદ નથી. વળી મુર્શિદાબાદ જિલ્લામાં કુલ ત્રણ લોકસભા બેઠકો આવેલી છે. અને 21 વિધાનસભા બેઠકો. ખરેખર હિંસા જંગીપુર લોકસભા ક્ષેત્રના જંગીપુર વિધાનસભા મતક્ષેત્ર વિસ્તારમાં નોંધાઈ છે. અને તે વિસ્તાના સાંસદ યુસુફ પઠાણ નથી. ત્યાં ટીએમસીના સાંસદ ખલીઉર રહમાન છે તથા જંગીપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઝાકીર હુસૈન છે. મુ્ર્શદાબાદ જિલ્લાનો સરકારી નકશો અહીં જોઈ શકાય છે.

આથી યુસુફ પઠાણ મુર્શિદાબાદના સાંસદ છે તે દાવો ખોટો છે. વળી હિંસા મુર્શિદાબાદ જે પોતાનામાં એક લોકસભા અને વિધાનસભા બેઠક છે, ત્યાં નથી નોંધાઈ. હિંસા ખરેખર મુર્શિદાબાદ જિલ્લાના જંગીપુર લોકસભા બેઠકમાં આવેલી જંગીપુર વિધાનસભા બેઠકના વિસ્તારમાં નોંધાઈ છે. આ વિસ્તારના સાંસદ પણ અલગ છે અને ધારાસભ્ય પણ અલગ છે. યુસુફ પઠાણ ઉપરોક્ત અહેવાલોમાં નોંધાયેલ હિંસાગ્રસ્ત વિસ્તારોનું સંસદમાં પ્રતિનિધિત્ત્વ નથી કરતા.
આથી સોશિયલ મીડિયામાં ખરેખર જે દાવો શેર કરવામાં આવી રહ્યો છે, તે અપૂરતા અને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
વધુમાં અમે હાલ મુર્શિદાબાદ જિલ્લામાં જંગીપુર ખાતે હિંસાનું કવરેજ કરી રહેલા પત્રકાર સલમાન રાવી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી.
બીબીસીના પત્રકાર સલમાન રાવીએ જણાવ્યું કે, “હિંસા જંગીપુરમાં નોંધાઈ છે. હું ત્યાં જ કવરેજ કરી રહ્યો છું. હાલ અહીં ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. વળી, જ્યાં સુધી યુસુફ પઠાણ વિશેની ચર્ચાની વાત છે તો, ખરેખર મુર્શિદાબાદ જિલ્લામાં બહરામપોર લોકસભા બેઠક આવેલી છે. અને અહીં જંગીપુર અને મુર્શિદાબાદ એમ અન્ય બે લોકસભા બેઠકો પણ છે. હિંસા જંગીપુરમાં થઈ છે.”
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, દાવો ખોટા સંદર્ભ સાથે શર કરવામાં આવેલ છે. ક્રિકેટર યુસુફ પઠાણ ખરેખર પશ્ચિમ બંગાળની બહરામપોર લોકસભા બેઠકથી તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ છે. તેઓ મુર્શિદાબાદ લોકસભા કે વિધાનસભા બેઠકના સાંસદ નથી. જ્યાં હિંસા નોંધાઈ છે તે, જંગીપુર વિસ્તાર અલગ લોકસભા-વિધાનસભા મતક્ષેત્રમાં આવેલ છે.
Sources
News Report by Hindustan Times, dated 13th Aprl-2025
News Report by Hindustan Times, dated 14th Aprl-2025
News Report by Deccan Herald, dated 03rd Oct-2021
West Bengal Govt Website
Times of India Map
Profilebaru.com