Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરનો ફોટો. દેશનો પહેલો એનિમલ ઓવરપાસ કોરિડોર.
દાવો ખોટો છે. સિંગાપોરના એનિમલ ઓવરપાસની કોરિડોરની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ખરેખર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ વે પરનો કોરિડોર નિર્માણાધિન છે.
આજથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સુરતનો કિમ-એના સેક્શન ચાલુ કરી દેવાયો છે. અત્રે નોંધવું કે, વડોદરા-ભરુચ સુધીનો સ્ટ્રેચ કાર્યરત છે. અને ટૂંક સમયમાં ભરુચ-કીમ સ્ટ્રેચ પણ ખુલ્લો મૂકવાની તૈયારીઓ છે. આથી વડોદરા અને સુરત એક્સપ્રેસ વે સાથે સીધા કનેક્ટ થઈ જશે.
દરમિયાન, ગુજરાતમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રોડ અને પુલોની સ્થિતિ મામલે ભારે ચર્ચા જાગી છે. એવામાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સોશિયલ મીડિયામાં એ ફોટાને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,”આ ફોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરનો ફોટો છે. તે દેશનો પહેલો એનિમલ ઓવરપાસ કોરિડોર છે.”
પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, “દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર, રણથંભોર ટાઈગર રિઝર્વ નજીક, 12 કિલોમીટરના વિસ્તારમાં ભારતનો પહેલો વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ ખાસ કોરિડોરમાં 5 ઓવરપાસ અને 1.2 કિલોમીટર લાંબો અંડરપાસ શામેલ છે, જેના દ્વારા વાઘ, રીંછ, સિંહ, ચિત્તા જેવા મોટા પ્રાણીઓ હવે કોઈપણ ડર કે અવરોધ વિના રસ્તો પાર કરી શકશે.
દરેક ઓવરપાસને ઉપરથી વૃક્ષો, ઝાડીઓ અને ઘાસથી ઢાંકવામાં આવ્યો છે, જેથી પ્રાણીઓને એવું લાગે કે તેઓ જંગલમાં જ છે. આનાથી તેઓ સહેલાઈથી રસ્તો પાર કરી શકશે અને તેમને રસ્તા કે ગાડીઓનો ડર નહીં લાગે. આ ઉપરાંત, એક્સપ્રેસ વેની બંને બાજુ ઊંચી દીવાલો બનાવવામાં આવી છે જેથી ન તો કોઈ પ્રાણી રસ્તામાં આવી શકે અને ન તો કોઈ રાહદારી આ રસ્તાઓ પાર કરી શકે.
પ્રાણીઓને ગાડીઓના અવાજથી પરેશાની ન થાય તે માટે સાઉન્ડ બેરિયર પણ લગાવવામાં આવ્યા છે, જે ટ્રાફિકના અવાજને ઓછો કરે છે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે નિર્માણ દરમિયાન કોઈ પ્રાણીને નુકસાન ન પહોંચે. આ માટે ખાસ ટીમો 24 કલાક તૈનાત હતી, જે કામની દેખરેખ કરતી હતી. આ આખા વિસ્તારમાં લગભગ 35,000 વૃક્ષો લગાવવામાં આવ્યા છે, અને દર 500 મીટર પર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં પ્રાણીઓ માટે આ પ્રકારનો ઓવરપાસ બનાવવામાં આવ્યો છે. આ માત્ર એક તકનીકી સિદ્ધિ નથી, પરંતુ તે દર્શાવે છે કે વિકાસ અને પર્યાવરણ એકસાથે કેવી રીતે આગળ વધી શકે છે. આ પ્રોજેક્ટ આવનારા સમયમાં દેશના અન્ય ભાગો માટે એક ઉદાહરણ બની શકે છે. જો આપણે યોગ્ય રીતે યોજના બનાવીએ, તો મનુષ્ય અને પ્રાણી બંને સાથે રહી શકે છે. કોઈને નુકસાન પહોંચાડ્યા વિના. આ જ સંદેશ આપે છે આ વાઈલ્ડલાઈફ ઓવરપાસ.”
વાઇરલ ફોટોમાં એક મોટો હાઈવે દૃશ્યમાન છે અને તેની આસપાસ ખૂબ જ હરિયાળી છે. વળી તેની ઉપર એક ઓવરપાસ પણ દૃશ્યમાન છે, તે અત્યંત હરિયાળો અને જંગલ જેવો જ દેખાય છે. હાઈ વેની બંને બાજુને તે બ્રિજની જેમ જોડે છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખોટો છે. વાઇરલ તસવીર ખરેખર દિલ્હી-એક્સપ્રેસ વેના એનિમલ ઓવરપાસ કોરિડોરની નથી.
વાઇરલ દાવાની તપાસ કરવા સોપ્રથમ અમે વાઇરલ તસવીરને ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદથી સ્કૅન કરી. સ્કૅન કરતા અમને યુટ્યુબ પર એક શોર્ટ વીડિયો પ્રાપ્ત થયો. જેમાં લખ્યું છે કે, સિંગાપોરના ઇકો બ્રિજનો વીડિયો. આ વીડિયોમાં જે દૃશ્યો છે, તે વાઇરલ તસવીર સાથે સામ્યતા ધરાવે છે.

જેથી અમે, ગૂગલ સર્ચ થકી સિંગાપોર ઇકો બ્રિજ સર્ચ કરતા અમને સિંગાપોર નેશનલ પાર્કની વેબસાઇટનો અહેવાલ પ્રાપ્ત થયો. આ અહેવાલમાં જણાવાયું છે કે, બુકિત ટિમાહ એક્સપ્રેસ વે પર ઇકો બ્રિજ બનાવવામાં આવેલ છે. તેના થકી પશુઓ સરળતાથી એકબાજુથી પસાર થઈ શકે છે.

તેમાં લખ્યું છે, “બુકિત ટિમાહ નેચર રિઝર્વ અને સેન્ટ્રલ કેચમેન્ટ નેચર રિઝર્વ વચ્ચે પશુઓ આસાનીથી આવનજાવન કરી શકે આથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પુલ મનુષ્યો માટે નથી. આથી માણસોનો પ્રવેશ નિષેધ છે. તે એક ઇકો સેન્સિટિવ ઝોન છે. પશુ સંવર્ધન માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે.”
અત્રે નોંધવું કે, વાઇરલ તસવીરમાં ઓવરપાસ પર એક લખાણ અને સિમ્બોલ દેખાય છે. જે સિંગાપોર ઇકોપાર્કની તસવીરમાં સ્પષ્ટ દૃશ્યમાન છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે, વાઇરલ તસવીર ખરેખર સિંગાપોરના ઇકો બ્રિજની છે.
તદુપરાંત અમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર શું આ પ્રકારનો કોઈ ઓવરપાસ છે કે કેમ તે વિશે પણ જાણવાની કોશિશ કરી.
ગૂગલ સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે રાજસ્થાન સ્ટ્રેચમાં રણથંભોર પાસે ઓવરપાસ બનાવાવામાં આવ્યા છે. અમને બિઝનેસ સ્ટાન્ડર્ડનો 26 જૂન-2025નો ફેસબુક વીડિયો અહેવાલ પ્રાપ્ત થયો.
તે દેશના પ્રથમ એનિમલ ડેડિકેટેટ ઓવરપાસ કોરિડોર છે. નેશનલ હાઇ વે ઓથોરિટીના રિજનલ ઓફિસર પ્રદીપ આત્રી તેમાં જણાવી રહ્યા છે કે,”ઇકો સેન્સિટિવ ઝોનને ધ્યાને રાખી અહીં પાંચ ઓવરપાસ બનાવાયા છે, જેના થકી વાઇલ્ડલાઇફ પશુઓ સુરક્ષિત રીતે વિચરણ કરી શકશે. આ ઝોન રણથંભોર વાઇલ્ડલાઇફ સેન્ચૂરી વચ્ચેથી પસાર થતો હોવાથી અમે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરેલ છે.”
વધુ તપાસ કરતા અમને ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા 4 જુલાઈ-2025ના રોજનો અહેવાલ પ્રાપ્ત થયો. આ અહેવાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના રણથંભોર પાસેના વાઇલ્ડલાઇફ કોરિડોરની તસવીર પણ પ્રકાશિથ કરેલ છે. તેમાં જોઈ શકાય છે કે, તેની ડિઝાઈન અને દેખાવ સિંગાપોરના ઇકો બ્રિજ કરતા અલગ છે.

પંજાબ કેસરી દ્વારા પણ આ મામલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 26 જૂન-2025ના રોજના અહેવાલમાં તે જોઈ શકાય છે.
આમ, ઉપરોક્ત બાબતો દર્શાવે છે કે, વાઇરલ તસવીર જેમાં દાવો કરાયો છે કે તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની છે તે દાવો ખોટો છે.
Read Also: Fact Check – ગીર સોમનાથમાં રસ્તા પર દીપડો ફરતો હોવાનો વીડિયો ખરેખર રાજસ્થાનનો
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ તસવીર ખરેખર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરના દેશના પ્રથમ વાઇલ્ડલાઇફ ઓવરપાસ કોરિડોરની નથી. તે ખરેખર સિંગાપોરના ઇકો બ્રિજની તસવીર છે.
Sources
YouTube Short Video by Universe Brief
Singapore National Website
News Report by Business Standard dated 26th June, 2025News Report by Indian Express Indulge dated 4th July, 2025
Report by Punjab Kesari dated 26 June, 2025