સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં દાવો કરાયો છે કે, ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાનો તે વીડિયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનની કિરાના હિલ્સ પરમાણુ સાઈટ ઉડાવી દીધી તેનો આ વીડિયો છે.
વીડિયોના શીર્ષકમાં લખ્યું છે કે, “પ્રચંડ વિસ્ફોટ નો ઓરિજીનલ વિડિયો મળી ગયો છે. આપણા દેશમાં લોકો હજુ પણ સવાલ કરે છે. ન્યુક્લિયર સાઈટ ઉડાવી દીધી હતી પાકિસ્તાન કિરાના હિલ્સ પર તેનો સાક્ષાત્કાર કરાવતો પરફેક્ટ વિડિયો આવ્યો છે. આ વિડીયો કેટલા દુર થી શુટિંગ કર્યું છે તે સમજી શકાય તેવું છે.”
વળી, આ વીડિયો સાથેના લખાણમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનની કિરાના હિલ્સ પરમાણુ સાઈટ ઉડાવી દીધી તેનો આ વીડિયો છે.
વીડિયોમાં કેટલીક ઇમારતો જોઈ શકાય છે અને તેની પાછળ આવેલા પહાડોમાં વિસ્ફોટ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, વીડિયોનો દાવો ખોટો છે. તે તાજેતરનો વીડિયો નથી.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે વીડિયોના કીફ્રેમ્સને અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ થકી સ્કૅન કર્યાં. 11-મે, 2015ના રોજની અમને એક પોસ્ટ પ્રાપ્ત થઈ. પોસ્ટ યમનના સના શહેરમાં થયેલા વિસ્ફોટનો હોવાની કહેવાય છે. વર્ષ 2015માં આ વિડિઓ સાથે કરવામાં આવેલી અન્ય પોસ્ટ્સ અહીં જુઓ. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

અમારી વધુ તપાસમાં, અમે યમનની રાજધાની સનામાં આવા વિસ્ફોટ સંબંધિત કોઈપણ માહિતી માટે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ શોધ્યા. પરિણામોમાં, અમને 2015માં યમનની રાજધાની સનામાં થયેલા વિસ્ફોટ વિશે પ્રકાશિત થયેલા ઘણા અહેવાલો મળે છે.
20 એપ્રિલ, 2015ના રોજ, વોશિંગ્ટન પોસ્ટ દ્વારા રોઇટર્સને ટાંકીને પ્રકાશિત થયેલા એક અહેવાલમાં યમનના સના શહેરમાં હવાઈ હુમલાની માહિતી આપવામાં આવી હતી. જ્યારે અમે આ રિપોર્ટમાં રહેલા વિડીયોની વાયરલ ક્લિપ સાથે સરખામણી કરી, ત્યારે અમને ઘણી સમાનતાઓ જોવા મળી. મીડિયા રિપોર્ટમાં વિસ્ફોટનો વીડિયો દૂરથી લેવામાં આવ્યો છે, પરંતુ બંને વીડિયોમાં વિસ્ફોટ એક જ પહાડી વિસ્તારમાં થતો જોવા મળે છે. ઉપરાંત, બંને વીડિયોમાં આછા પીળા રંગની ઇમારત દેખાય છે, જેની રચના અને બારીઓનો આકાર પણ સમાન દેખાય છે.

વધુમાં, અલ જઝીરા દ્વારા 21 એપ્રિલ, 2015ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલમાં વાયરલ વિડિયો જેવા જ દ્રશ્યો પણ છે. અહેવાલમાં જણાવાયું છે કે, આ વિસ્ફોટ 20 એપ્રિલ 2015ના રોજ યમનની રાજધાની સનામાં થયો હતો. આ વિસ્ફોટ સાઉદી અરેબિયાના નેતૃત્વમાં હવાઈ હુમલાને કારણે થયો હતો. આ હુમલામાં હુથી લડવૈયાઓના શંકાસ્પદ શસ્ત્રોના ડેપોને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા હતા.

વળી, નોંધપાત્ર છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, સમાચાર ફેલાઈ ગયા હતા કે, ભારતના મિસાઈલ હુમલાને કારણે પાકિસ્તાનના કિરાણા હિલ્સમાં પરમાણુ રેડિયેશન લીક થયા છે. જોકે, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ, એર માર્શલ એ.કે. ભારતીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે ભારતે કિરાણા હિલ્સ કે પાકિસ્તાનમાં કોઈપણ પરમાણુ સ્થળને નિશાન બનાવ્યું નથી. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ હવે સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાનના કોઈપણ પરમાણુ સ્થળમાંથી કોઈ રેડિયેશન લીક થયું નથી.
Read Also: Fact Check – શું વાઇરલ તસવીર પકડાયેલ પાકિસ્તાની પાઇલટનો પહેલો ફોટો છે? જાણો સત્ય
Conclusion
અમારી તપાસમાં અમે નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, યમનમાં 2015માં થયેલા વિસ્ફોટનો વીડિયો પાકિસ્તાનના કિરાના હિલ્સનો હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
Sources
X post by @YusraAlA on 11 May 2025.
Report published by on 21st April 2015.
Report published by Washington Post on 20th April 2015.
(અહેવાલ ન્યૂઝચેકર હિંદીના કોમલ સિંઘ દ્વારા પહેલા પ્રકાશિતય થયેલ છે. અહેવાલ વાંચા અહીં ક્લિક કરો.)