Fact Check
Fact Check – ભારતે સિંધુ જળ સંધિ સ્થિગત કરતા ટ્રમ્પે પાકિસ્તાનની મજાક ઉડાવી? શું છે સત્ય
Claim
સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનની મજાક ઉડાવી તેનો વીડિયો.
Fact
દાવો ખોટો છે. આ વીડિયો વર્ષ 2016નો છે. તે અન્ય ઘટના વિશેનો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંધુ જળ સંધિ રદ થયા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પાકિસ્તાનની મજાક ઉડાવી હતી .
જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો 2016નો છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન, તેમના જ પાર્ટી રિપબ્લિકન તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે અભિયાન કરી રહેલા સેનેટર માર્કો રુબિયોની મજાક ઉડાવતા રમૂજી રીતે પાણી પીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરનમાં સશસ્ત્ર આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 26 પ્રવાસીઓના મોત થયા હતા. પહલગામ હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો અને તમામ પાકિસ્તાની નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવા જણાવ્યું હતું. આ સંધિ મુજબ, ભારત હવે પાકિસ્તાન સાથે કોઈ માહિતી શેર કરશે નહીં અને ન તો તેનાથી સંબંધિત કોઈપણ બેઠકમાં ભાગ લેશે. ભારત પોતાની ઈચ્છા મુજબ પાણી રોકશે અને છોડશે.
વાઇરલ વીડિયોમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાંફતા હાંફતા મજાકમાં પાણી માંગતા જોવા મળે છે અને પછી તેઓ પહેલા પાણી છાંટીને મજાકમાં પીવે છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
સિંધુ જળ સંધિ સ્થગિત થયા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાકિસ્તાનની મજાક ઉડાવે છે તેવા દાવા સાથે વાઇરલ થયેલા આ વીડિયોના મુખ્ય ફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ અમને 27 ફેબ્રુઆરી, 2016ના રોજ અમેરિકન ન્યૂઝ આઉટલેટ CNN ના YouTube એકાઉન્ટ પર અપલોડ કરાયેલ એક વીડિયો તરફ દોરી ગઈ. આ વીડિયોમાં વાયરલ વીડિયોના દ્રશ્યો હાજર હતા.

એક વીડિયો રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે માર્કો રુબિયો દ્વારા 2013ના સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણનો જવાબ આપતી વખતે ભાષણ દરમિયાન પાણીનો એક ઘૂંટડો લેવા અંગે મજાક કરી હતી. લગભગ 46 સેકન્ડના આ વીડિયોમાં, ટ્રમ્પ ભાષણ આપી રહ્યા છે અને લોકોને પૂછી રહ્યા છે, “શું તમને તે આપત્તિ યાદ છે જ્યારે માર્કો રુબિયાને રાષ્ટ્રપતિ ઓબામાના ભાષણ પર પ્રતિક્રિયા આપવાનું કહેવામાં આવ્યું હતું, અને ભાષણની વચ્ચે તેઓ કેવી રીતે પાણી માટે હાંફી રહ્યા હતા?”
આ પછી, વીડિયોમાં, ટ્રમ્પ હાથમાં પાણીની બોટલ સાથે માર્કો રુબિયોનું નામ લે છે અને પછી મજાકમાં પાણી ફ્લોર પર ફેંકી દે છે અને બાદમાં પાણી પણ પીવે છે.
વીડિયો રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીડિયો અમેરિકાના ટેક્સાસ પ્રાંતના ફોર્ટ વર્થ વિસ્તારમાં યોજાયેલી રેલીનો છે.
અમારી તપાસ દરમિયાન, અમને 27 ફેબ્રુઆરી, 2016 ના રોજ CBS ન્યૂઝના યુટ્યુબ એકાઉન્ટ પર અપલોડ કરાયેલ એક વિડીયો રિપોર્ટ પણ મળ્યો. આ વિડીયો રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 2013માં ટેક્સાસમાં એક રેલી દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણ દરમિયાન માર્કો રુબિયોને પાણી પીવા બદલ મજાક ઉડાવી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ આ મજાક કરે તે પહેલાં, માર્કો રુબિયોએ રિપબ્લિકન પાર્ટીના કાર્યક્રમમાં ટ્રમ્પ પર પણ નિશાન સાધ્યું હતું, જેનો ટ્રમ્પે પોતાની શૈલીમાં જવાબ આપ્યો હતો.

અત્રે નોંધવું કે, માર્કો રુબિયો 2016ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે પણ પોતાનો દાવો રજૂ કરી રહ્યા હતા. જોકે, તેઓ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી હારી ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા હતા. બાદમાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

તપાસ દરમિયાન, અમને માર્કો રુબિયોનું ભાષણ પણ મળ્યું, જેમાં ટ્રમ્પ મજાક ઉડાવી રહ્યા હતા તેનો ઉલ્લખ છે અમને 13 ફેબ્રુઆરી, 2013ના રોજ ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના યુટ્યુબ એકાઉન્ટ પર અપલોડ કરાયેલા ભાષણનો વિડીયો મળ્યો. આ વિડીયો રિપોર્ટમાં માર્કો રુબિયો તેમના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન દરમિયાન પાણી પીવા માટે એકાએક વિરામ લેતા જોવા મળે છે.

અમેરિકામાં, સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ એ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતું વાર્ષિક ભાષણ છે, જેમાં રાષ્ટ્રપતિ અમેરિકન સંસદ અને દેશવાસીઓને દેશની સ્થિતિ, સરકારની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપે છે. વર્ષ 2013માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ સંબોધન આપ્યું હતું. જે બાદ વિપક્ષી રિપબ્લિકન પાર્ટી વતી સેનેટર માર્કો રુબિયોએ જવાબ આપ્યો.

Conclusion
અમારી તપાસમાં મળેલા પુરાવાઓ સ્પષ્ટ કરે છે કે સિંધુ જળ સંધિ સ્થગિત થયા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે તેવા દાવા સાથે વાયરલ થયેલો વીડિયો ખરેખર વર્ષ 2016નો છે. ટ્રમ્પે તેમના હરીફ માર્કો રુબિયોની મજાક ઉડાવી હતી તે સમયનો એ વીડિયો છે.
Our Sources
Video Report by CNN on 27th Feb 2016
Video Report by CBS News on 27th Feb 2016
Video Report by The NYT on 13th Feb 2013
(અહેવાલ પહેલા ન્યૂઝચેકર હિંદિના રુનજય કુમાર દ્વારા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)